Wednesday, 15 April 2015

શોભા ભૂતડા આઇ.પી.એસ-selute to her

શોભા ભૂતડા આઇ.પી.એસ
ત્રીજી વખત પરીક્ષા આપી અને પછી થઈ ગઈ આઇપીએસ ઓફિસર...!!!

- યુપીએસસીની પરીક્ષામાં બે વખત ફેલ થઈ, જોકે ત્રીજી વખતમાં પાસ થઈ અને IPS ઓફિસર બની
- બીજા બધા વિષયોમાં હું ટોપર હતી અને અંગ્રેજીમાં સૌથી ઓછા માર્કસ આવ્યા, મહેનત કરી તો બીજા વર્ષે રાજ્યમાં પ્રથમ આવી
- ધર્મશાળામાં વિતાવેલી એ બે રાતે મને અંગ્રેજી શિખવા મક્કમ કરી
-એ રાત પછી નક્કી કર્યું કે અંગ્રેજીનું 'એન્કાઉન્ટર' કરવું પડશે

ચેન્નાઇની ધર્મશાળામાં ગુજારેલી એ બે રાત કયારેય નહીં ભૂલાય. અંગ્રેજી નહીં આવડતું હોવાને કારણે અમારે ભારે તકલીફ વેઠવી પડી હતી. મને અફસોસ થયો કે બીજા બધા વિષયોમાં હું ટોપર છું તો પછી અંગ્રેજી કેમ ન બોલી શકું? એ બે રાત મેં ખુબ વિચાર્યું અને મન મક્કમ કરી લીધું અને પછી શરૂ થઈ મારી અંગ્રેજી શીખવાની મહેનતભરી સફર.આ પ્રસંગ બન્યો ત્યારે હું ધોરણ-9માં હતી એ સમયે મારું અંગ્રેજી ખૂબ કાચું એટલે સ્વભાવિક જ અંગ્રેજીમાં સૌથી ઓછા માર્કસ આવતા. ત્યારે યુનાઇટેડ સ્કૂલ્સ ઓફ ઓર્ગેનાઇઝેશન્સ તરફથી અમે કેટલીક વિદ્યાર્થિનીઓ ચેન્નઈની એક ટ્રિપમાં ગયાં હતાં.

- માર્કશીટોનાં મીંડાં જિંંદગીને શૂન્ય કરી શકવાની તાકાત ધરાવતા નથી. અહીં એવા માણસોની વાત છે જેમની માર્કશીટમાં ક્યારેક નાપાસ લખાયેલું હતું પણ એમણે સખત મહેનત કરી અને જિંદગીએ આજે તેમની માર્કશીટમાં લખ્યું છે ‘પાસ વિથ ડિસ્ટિંક્શન’. નાપાસ થવાના ડરે હતાશામાં સરી પડતા વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતા માટે ઉદાહરણરૂપ બની શકે તેવા લોકોની વાત દિવ્ય ભાસ્કર ‘માર્કશીટમાં ઝીરો જીવનમાં હીરો’ શ્રેણી અંતર્ગત રજૂ કરી રહ્યું છે. આ લોકોએ કેવી રીતે નિષ્ફળતા સફળતામાં ફેરવી એ વાંચો, તેમના પોતાના શબ્દોમાં...

જ્યાં અમારી સાથે સ્થાનિક લોકો અંગ્રેજીમાં વાત કરતા હતા, પરંતુ તે સમયે કશું સમજાતું નહોતું. એટલે ખૂબ જ તકલીફ પડી. મારી સાથે કોઈ વાત પણ કરતું નહોતું. હું ખૂબ જ નિરાશ થઈ હતી. અફસોસ થયો કે હું બીજા બધા જ વિષયમાં ટોપર છું, પણ અંગ્રેજી કેમ બોલી ન શકું. આ સમસ્યા ફક્ત મારી એકલીની નહોતી. મારી સાથે આવેલી મહારાષ્ટ્રની તમામ વિદ્યાર્થિનીઓ સાથે આવું થયું. મૂળ સમસ્યા એજ્યુકેશન સિસ્ટમની હતી. આ મુસીબત ફક્ત અમારી સાથે જ નહીં, સાથે આવેલા સિનિયર શિક્ષિકાની પણ હતી. તેઓ પણ અંગ્રેજી બોલી શકતાં નહોતાં.

કોઈ વાતચીત ન કરે ત્યાં સુધી તો સહન થયું, હજુ તો મોટી અને વિચિત્ર સમસ્યા તો રાહ જોઈને બેઠી હતી. ભાષાની સમસ્યાઓના કારણે અમારો કાર્યક્રમ બે દિવસ વહેલા પૂર્ણ થયો. અમે બધા રેલવે સ્ટેશન પહોંચ્યાં, જ્યાં અંગ્રેજી ન આવડતી હોવાના કારણે એવી ગેરસમજ ઊભી થઈ કે અમે ટ્રેન ચૂકી ગયા. બે દિવસ અમારે ધર્મશાળામાં રોકાવું પડ્યું. એ બે રાત હું ક્યારેય ભૂલી શકું એમ નથી. મેં નક્કી કરી લીધું કે હવે આ અંગ્રેજીના મૂળમાં જવું છે. અમે સૌ પરત ઘરે આવ્યાં. આગામી વર્ષે બોર્ડની પરીક્ષા હતી. હું બીજા બધા વિષયમાં તો ટોપર હતી જ પરંતુ અંગ્રેજી જ કાચું હતું. સતત અભ્યાસ કર્યો, અંગ્રેજીનાં હજારો વાક્યો લખ્યાં, વાંચ્યાં. ખૂબ મહેનત કરી. પરિણામ તો સારું જ આવ્યું, પણ એ વિષયો મુજબ ખૂબ જ વિપરીત હતું.

ટકાવારી મુજબ આખા રાજ્યમાં ટોપર કરતાં માત્ર બે માર્કસ ઓછા હતા. જોકે મારા માટે ખૂબ જ ચોંકાવનારી વાત એ હતી કે આખા મહારાષ્ટ્રમાં હું અંગ્રેજી વિષયમાં સૌથી વધુ માર્કસ મેળવનારી બોર્ડની વિદ્યાર્થિની બની. મારું ફોકસ અંગ્રેજી પ્રત્યે એટલું વધી ગયું કે, તેના કારણે હું અન્ય વિષયો કરતાં તેમાં ખૂબ સારું પરિણામ લાવી શકી. પરીક્ષાનાં ચોંકાવનારાં પરિણામોની મારી સફર અહીં પૂરી ન થઈ, તે તો આગળ વધતી જ ગઈ. પણ અંગ્રેજીએ મને પાઠ ભણાવ્યો હતો એ હું કયારેય ભુલી શકું એમ નહોતી.

મારે આઇપીએસ બનવું હતું. યુપીએસસીની પરીક્ષા આપી. એક વખત ફેલ થઈ ગઈ. અંગ્રેજીમાં સ્ટેટ લેવલે ટોપર છતાં ફેલ. બીજી વખત પરીક્ષા આપી, છતાં ફેલ. જોકે મેં નક્કી કર્યું હતું કે પાસ તો થવાનું જ છે. ત્રીજી વખત પરીક્ષા આપી અને પછી થઈ ગઈ આઇપીએસ ઓફિસર. મારી સાથે જે ટોપર વિદ્યાર્થિનીઓ હતી તેમનું પણ સ્વપ્ન હતું કે તેઓ આઇપીએસ ઓફિસર બને, પરંતુ તેમનામાંથી મોટા ભાગના એન્જિનિયર બનીને અમેરિકા, દુબઈ અને જાપાનમાં છે.
સાભાર: દિવ્ય ભાસ્કર.


No comments:

Post a Comment